.
કોમેન્ટ કેવી રીતે કરશો?

પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ
માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક
કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે
તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની
ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે
તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી
પ્રકાશિત થાય છે.
મારો બીજો બ્લોગ..
http://sagarramolia.wordpress.com/

મારું પુસ્તક 'સરદારનું ગીત' વાંચવા માટે...

http://www.sardarvallabh.blogspot.com/

મારું પુસ્તક 'વિધવા' વાંચવા માટે...

www.vidhva.blogspot.com

સોમવાર, 23 મે, 2022

ચિંતા

 ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા,

બસ, આનંદથી જીવવા, પાડવા એના હેવા.


એતો કદી અહીં હોય, તો કદી હોય ત્યાં,

મનને મૂંઝારો ચડે, એ હોય જ્યાં;

તેથી ડરી જાય દિલના જેવા-તેવા,

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!


નબળા મનવાળા પાસે સદા એનો વાસ,

એટલે ત્યાં પેસારો કરવા રહે તૈયાર ખાસ;

કદી ન ખસે, જ્યાં થાય એની સેવા,

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!


એટલે તો કહું છું, મૂકો એને તડકે,

નજીક ન આવે કે ન કદી અડકે,

આનંદથી ઝૂમો, મોજથી રહેવા,

ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા!


- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 22 જુલાઈ, 2021

વરસાદને કયાં ખબર છે?

 *વરસાદને કયાં ખબર છે!*


કોણ કેટલું ભીંજાય છે? વરસાદને કયાં ખબર છે!

મનમાં શું-શું થાય છે? વરસાદને કયાં ખબર છે!


એને તો બસ વરસવું, બીજું કામ પણ શું?

બાર-બાર નામ ધરે, એવુંય ગાંડપણ શું?

કોણ કયાં અટવાય છે? વરસાદને કયાં ખબર છે!

ને કયાં જઈ ભટકાય છે? વરસાદને કયાં ખબર છે!


આવવું-આવવું થાય, તોયે કયાં આવે છે?

ને જાવું-જાવું થાય, ત્યારે પણ હંફાવે છે.

માનવ કેવો મૂંઝાય છે? વરસાદને કયાં ખબર છે!

ને કયાં લપસી જાય છે? વરસાદને કયાં ખબર છે!


- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

વરસનું સરવૈયું

 વર્ષનું સરવૈયું (ગઝલ)


(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)


ખુશી સાથે ગમો લાવ્યું, ગજબનું આ વરસ આવ્યું. જરા નિષ્ફળ જરા ફાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


કદી' જાલિમ બની આવ્યું, પરેશાની ધરી દીધી,

કદી' જીવનને સોહાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


ઘણાં એમાં ડરી ભાગ્યાં, ઘણાં ઘરમાં જઈ બેઠાં,

ઘણાંએ એને અજમાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


સુધાર્યા શીખવી પાઠો, ને કો'ને મૂંઝવી દીધા,

મગજ કોઈનું દંડાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


કદી' 'સાગર' બધાં કષ્ટોય ભૂલી વીરલાઓએ,

વરસને ખૂબ દીપાવ્યું, ગજબનું આ વરસ આવ્યું.


- 'સાગર' રામોલિયા

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

એવું નથી

 

એવું નથી (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
 
ઊંઘવા લાગી ગયો એવું નથી,
લાગલો જાગી ગયો એવું નથી.
 
સાદથી ઊંચા ભલેને બોલતો,
ભેદ કો' તાગી ગયો એવું નથી.
 
મુખના રંગેથી ન ખોટું માનતા,
કો' કશું માગી ગયો એવું નથી.
 
સૂર સાતે આજ રોમેરોમ છે,
ખોટું હું વાગી ગયો એવું નથી.
 
પૂછતું 'સાગર' ગમે તે લોક આ,
કયાંય હું ભાગી ગયો એવું નથી.
 
- 'સાગર' રામોલિયા

ગુરુવાર, 30 જુલાઈ, 2020

આભે

દ્વિખંડી ગઝલ
આભે
(ગાલગા લગાગાગા, ગાલગા લગાગાગા)

ચાંદની ખરી આભે, મોજ ઊતરી આભે,
સંધ્યા આછરી આભે, શોભા તો કરી આભે.

વાદળી ભલી નાચે, વાયરો ભલો વાતો,
ફૂલને ધરી આભે, ખુશબૂ સંચરી આભે.

ઊંચે ઊડતું પંખી, ને કળા કરે પંખી,
ટહુકા પણ સરી આભે, વેરે વૈખરી આભે.

તારલી ઘણી કૂદે, સૂર્યને કહે આજે,
હું તો સુંદરી આભે, લાગતી પરી આભે.

આભ શોભતું એવું, ગાય હેતથી 'સાગર',
આંખડી ઠરી આભે, મોજથી વરી આભે.

- 'સાગર' રામોલિયા

રવિવાર, 26 જુલાઈ, 2020

જીવી લો તાનમાં

જીવી લો તાનમાં (ગઝલ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

એટલું મુજને મળે વરદાનમાં,
જીવવાનું ના રહે અપમાનમાં.

એટલી કરજે દયા ભગવાન તું,
હો' ખુશી સૌના મુખે મુસ્કાનમાં.

જોડવું કે તોડવું જાણું નહીં,
હો' સફળતા સઘળાં અનુસંધાનમાં.

દુઃખ તો ભાગી જાય સૌ પળવારમાં,
સૂર એવો આપજે મુજ ગાનમાં.

સૌ કહે છે કાલની કોને ખબર?
એટલે જીવી લો 'સાગર' તાનમાં.

- 'સાગર' રામોલિયા

શનિવાર, 6 જૂન, 2020

મારા ઠોઠ વિદ્યાર્થીઓ – ૨૧

એક ટેભો પણ આઘાપાછો ન થાય
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ – ૨૧)
          આપણું જીવન એવું છે કે કયારે કયું કામ કરવા જવું પડે તેની કોઈ ખાતરી હોતી જ નથી. એટલે મારું એમ માનવું છે કે, આપણે દરેક કામની તૈયારી રાખવી જોઈએ. કયારેક ઘરના લોકો કોઈ કામ ચીંધે, તો કયારેક ઓળખીતા પણ ચીંધે.
          મારે પણ આવું જ બન્‍યું. અમારા એક ઓળખીતા ભાઈએ મને કહ્યું કે, ‘‘તમારી શાળાની નજીકના વિસ્‍તારમાં કોઈ પ્રખ્‍યાત લેડીસ ટેઈલર્સ છે. તમારી ભાભીને તેની પાસે જ કપડાં સીવડાવવાં છે. તો જરા તેનું સરનામું લેતા આવજો અને કયારે સીવી દેશે એ પણ પૂછતા આવજો.''
          મને થયું, આ ભાઈએ પહેલી વખત કામ ચીંઘ્‍યું છે, તો ના' પણ કેમ પાડવી! એક દિવસ શાળાનો સમય પૂરો થયો એટલે હું પૂછતાં-પૂછતાં આગળ વધતો ગયો. છેવટે એક સાંકડી શેરીમાં પહોંચ્‍યો. બીજાને પૂછીને તે પ્રખ્‍યાત દરજી સુધી પહોંચી તો ગયો જ. નાનકડી એવી દુકાન હતી અને અંદર જોઈ શકાય એવી પરિસ્‍થિતિ ન હતી. કારણ કે, દુકાનના દરવાજા પાસે ઘણી સ્‍ત્રીઓ ઊભી હતી. થોડીવાર તો ઊભો રહ્યો, પણ એવું લાગ્‍યું કે, અહીં મારા માટે જગ્‍યા થાય એવું લાગતું નથી. એટલે મેં જરા ઊંચો અવાજ કરીને કહ્યું, ‘‘, દરજીભાઈ! મારે તમારું થોડું કામ છે. મારે વાત કરવાનો વારો આવશે? મારે કપડાંની સિલાઈ બાબત પૂછવું છે.''
          મારા અવાજથી સ્‍ત્રીઓ દૂર ખસી ગઈ. હવે દરજીનાં દર્શન થયાં. તેણે મારા સામે જોયું. પછી કહે, ‘‘રામોલિયાસાહેબ! મારા કામ બાબત કંઈ કહેવું ન પડે! એક ટેભો પણ આઘાપાછો ન થાય!''
          તે મારું નામ લઈને બોલ્‍યો અને ટેભાવાળું વાકય બોલ્‍યો એટલે મારી નજર સામે તેનો ભૂતકાળ આવી ગયો. તેનું નામ રવિ રમેશભાઈ ટંકારિયા. તે મારા વર્ગમાં હતો ત્‍યારે મેં જોયું હતું કે, કપડાંને લગતું કોઈપણ કામ હોય તો ફટ દઈને આગળ આવી જાય. તેને એમ લાગે કે વર્ગમાં કાળુંપાટિયું ભૂસવાની ગાદી નબળી થઈ ગઈ છે, તો તરત જ નકામું કપડું શોધે, દફતરમાંથી સોઈ-દોરો કાઢે અને મંડી પડે હાથસિલાઈ કરવા. સોઈ-દોરો તો કાયમી સાથે હોય જ. કયારેક હું મસ્‍તી કરતો, ‘‘જોજે હો, સિલાઈ આડાઅવળી ન થઈ જાય!'' એટલે તે કહેતો, ‘‘સાહેબ! એક ટેભો પણ આઘાપાછો ન થાય!'' પહેલા તે ભણવામાં નબળો હતો. એટલે એક વખત મેં તેને ટકોર કરી હતી, ‘‘રવિ! આ ટેભા જ કામ નહિ આવે, શિક્ષણ પણ હોવું જરૂરી છે.'' તે દિવસ પછી તે મનમાં કંઈક નક્કી કરી લે છે. તેનામાં પરિવર્તન આવવા લાગ્‍યું. બીજા વિષયો કરતાં ગણિતમાં વધારે ફાવટ આવી ગઈ. એટલે એક દિવસ મેં તેને કહ્યું, ‘‘રવિ! તારું ગણિત તો તને ગણિતનો શિક્ષક કે એન્‍જીનિયર બનાવી શકે એટલું પાક્કું થઈ ગયું છે. તારે શું કરવું છે? કે પછી ટેભા જ ભરવા છે?'' સમય વહેતો ગયો. તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી આજે તેને જોયો હતો.
          હું મસ્‍તીમાં બોલ્‍યો, ‘‘રવિ! તો તો તેં ટેભા ભરવાનું કામ જ રાખ્‍યું!''
          તે કહે, ‘‘તો તમે મને ઓળખી ગયા?''
          મેં કહ્યું, ‘‘તારો ટેભો કયારેય ભુલાયો નહિ, એટલે તું યાદ રહી ગયો.''
         તે કહે, ‘‘પણ સાહેબ! મેં સીધેસીધા ટેભા ભરવાનું કામ નથી કર્યું. પહેલા તો ભણ્‍યો. બી.એસસી. બી.એડ્‍ પણ કરી લીધું. સરકારી નોકરીનો આદેશ પણ આવી ગયો. પણ નોકરીમાં હાજર ન થયો. નોકરીમાં ગયો હોત, તો મારો સિલાઈનો શોખ દૂર રહી જાત. મારા પપ્પાની ઈચ્‍છા તો દરજીનો દીકરો જીવે ત્‍યાં સુધી સીવે'વાળી કહેવત ખોટી પાડવાની હતી. એટલે નોકરી માટે ખૂબ આગ્રહ કર્યો. પણ હું ન માન્‍યો અને મારા શોખને ખાતર આ કામ સ્‍વીકાર્યું. જેમાં શિક્ષણ અને આવડતના લીધે મારી માસ્‍ટરી છે. કામ સતત મળ્‍યા જ કરે છે અને મારા જૂના શબ્‍દોમાં કહું તો, એક ટેભો પણ આઘાપાછો થતો નથી.''
          હવે હું બોલ્‍યો, ‘‘રવિ! એવું નથી કે નોકરી માટે જ ભણવું જોઈએ. નોકરી ન કરવી હોય, તો પણ સારું શિક્ષણ તો મેળવવું જ જોઈએ. સારું શિક્ષણ હશે તો જે વ્‍યવસાય કરશું, તેમાં પણ પારંગતતા આવશે. તેં આ વાતને સાચી કરી દેખાડી છે. ખૂબ ખૂબ ધન્‍યવાદ.''
-     ‘સાગર’ રામોલિયા

શનિવાર, 18 એપ્રિલ, 2020

તૂટે છે

(ગાx8)

દીવાલોનાં દિલ તૂટે છે,
માણસમાં માણસ ખૂટે છે.

દીવાલોની પીડા જોઈ,
ઊંચી છત માથાં કૂટે છે.

જોઈ આવી અફડાતફડી,
તળિયે પરસેવો છૂટે છે.

નાકે છોડી સઘળી લજ્જા,
કાપ્યું તેવું તે ફૂટે છે.

'સાગર'ના મનમાં છે ચિંતા,
કોને કો' આજે લૂટે છે.

- 'સાગર' રામોલિયા

શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2020

(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-20)

તમે તો મગજના કારીગર છો!
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-20)
     એક વખત ઘરની દીવાલ ભીની થવા લાગી. મનમાં થયું કે, કયાંક પાણીની પાઈપ તૂટી હશે. મારા પડોશીએ કહ્યું, ‘‘આ માટે કોઈ સારો પ્‍લમ્‍બર જોઈએ. જેવોતેવો આવી જાય તો દીવાલ વધારે તોડી નાખે. ઘરની દશા બગાડી નાખે.'' મેં સારો પ્‍લમ્‍બર ઘ્‍યાનમાં હોય તો કહેવા માટે વાત કરી. થોડીવાર પછી તેણે એક નંબર આપ્‍યો. મેં એ નંબર ઉપર ફોન કરીને પ્‍લમ્‍બરને આવવા માટે કહ્યું.
     પ્‍લમ્‍બર આવે છે. તેણે મને જોયો. પછી કામની વિગત જાણીને પાઈપનું ભંગાણ શોધવા લાગ્‍યો. થોડીવાર સુધી દીવાલમાં જુદી-જુદી જગ્‍યાએ ટકોરો મારતો રહ્યો. ટકોરો મારતાં-મારતાં બાથરૂમની દીવાલ પાસે પહોંચ્‍યો. મને થયું, દીવાલ ભીની આ જગ્‍યાએ થઈ છે ને આ ત્‍યાં શું કરે છે? મારાથી રહેવાયું નહિ. તેને એ બાબત વાત કરી. એટલે તે ત્રાંસી નજરે મારી સામે જોવા લાગ્‍યો.
     પછી બોલ્‍યો, ‘‘ઘરમાં પણ બોલવાનું બંધ નથી રાખતા, રામોલિયાસાહેબ!''
     મેં કહ્યું, ‘‘દીવાલ આ જગ્‍યાએ ભીની થઈ છે તો ત્‍યાં શું જોવાનું છે?''
     તે કહે, ‘‘મને મારું કામ કરવા દો. પછી બીજી વાત.''
     આમ કહી તે પોતાનું કામ કરવા લાગ્‍યો. પણ હું ચકરાવે ચડયો. તેણે રામોલિયાસાહેબ' કહ્યું એતો ઘરના દરવાજે નામ લખેલ છે તેના આધારે કહ્યું હોય. પણ ઘરમાં પણ બોલવાનું' વાકય વિચારે ચડાવી ગયું. એટલે મનને થોડું ફંફોસ્‍યું. તો યાદ આવી ગયું. આ તો લક્ષ્મણ જેરામભાઈ કછટિયા લાગે છે. મોટો થઈ ગયો, પણ મોઢાનો દેખાવ પહેલા જેવો જ લાગતો હતો. એટલે તરત યાદ આવી ગયું. તે ભણતો ત્‍યારે પણ પાણી બાબતના કામમાં વધું ઘ્‍યાન રાખતો. જુદી-જુદી નળીઓને જોડવી હોય તો તે પહોંચી જ જાય. એટલે એક દિવસ મેં કટાક્ષમાં કહ્યું હતું, ‘‘શું તારે પ્‍લમ્‍બર બનવું છે?'' એટલે એ મોઢું મલકાવીને ત્‍યાંથી ચાલ્‍યો ગયો. અને આજે તે ખરેખર પ્‍લમ્‍બર બનીને મારી સામે આવ્‍યો હતો. હું બોલ્‍યો નહિ. તેને તેનું કામ કરવા દીધું.
     હવે તે બોલ્‍યો, ‘‘બાથરૂમની પાઈપ તૂટેલી છે, ત્‍યાંથી આ પાણી આવે છે.''
     મેં કહ્યું, ‘‘પાઈપ બાથરૂમમાં તૂટે ને પાણી અહીંથી નીકળે?''
     તે કહે, ‘‘મને મારું કામ કરવા દો, ને તમે જોયા કરો!''
     તે કામે વળગી ગયો. બાથરૂમની થોડી દીવાલ તોડીને તૂટેલો ભાગ શોધી કાઢયો. મેં પણ તે જોયું. તે સાચો હતો. ત્‍યાં નવી પાઈપ નાખીને ફરી હતું તેવું કરી દીધું. કોઈ ન કહી શકે કે, અહીં દીવાલ તોડી હશે. કામ પૂરું કરીને તે ઊભો થયો.
     મને કહે, ‘‘હવે કહો, તમારે શું કહેવું છે?''
     મેં જવાબ આપ્‍યો, ‘‘લક્ષ્મણ! તું તો કાબેલ કારીગર છો હો!''
     તે કહે, ‘‘લ્‍યો, તમે તો મને ઓળખી ગયા.''
     મેં કહ્યું, ‘‘તું ભણતો ત્‍યારથી કારીગર હતોને, એટલે ઓળખી ગયો.''
     તે કહે, ‘‘સાહેબ! હું તો આવી પાઈપનો કારીગર છું. પણ તમે તો મગજના કારીગર છો. અનેકના મગજને તમે સારાં કરી દીધાં છે. જેને સુધારવો મુશ્‍કેલ હોય, એને પણ તમે સુધારી દીધો છે. એમાંનો એક હું પણ છું. તમે પાઠ ભણાવતી વખતે વચ્‍ચે બોધપ્રદ ઉદાહરણો આપતા. તે ઉદાહરણો મારા મનમાં ખૂબ ગૂંજ્યાં. મને વાંચવા-લખવાનું શીખવાની તાલાવેલી જાગી. શાળાએ તો આગળ ન ભણ્‍યો, પણ બીજા પાસે હું શીખવા લાગ્‍યો. આજે ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજી બરાબર આવડે છે. હું જે ધંધો કરું છું, તે મારા રસનો વિષય હતો. તેથી તેમાં તો સારી કાબેલિયત આવી જ ગઈ.''
     મેં કહ્યું, ‘‘સરસ વાત તેં કરી દીધી. જેને શીખવું જ હોય, તે ગમે તે રીતે શીખી શકે છે. જરૂર છે માત્ર શીખવા પ્રત્‍યે રૂચિ કેળવવાની.''
     તે કહે, ‘‘લ્‍યો, ત્‍યારે હું જાવ છું. જરૂર પડે ત્‍યારે યાદ કરજો.''
     આટલું બોલી તે ચાલી નીકળ્‍યો અને હું તેને અહોભાવથી જોતો રહ્યો.
                                    - ‘સાગર' રામોલિયા

રવિવાર, 26 જાન્યુઆરી, 2020

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19

આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19)
                સવારનો સમય હતો. શાળામાં રજા હતી, પરંતુ પ્રજાસત્તાકદિનની ઊજવણીના કાર્યક્રમમાં જવાની તૈયારી કરતો હતો. ત્‍યાં જ મોબાઈલની રીંગ રણકી. નંબર જોયો. વિદેશી લાગ્‍યો. અત્‍યારના સમયમાં છેતરપીંડીવાળાના ફોન ઘણા આવતા હોય છે. એટલે રીંગ વાગવા દીધી. થોડીવારમાં એ જ નંબર ઉપરથી ફરી ફોન આવ્‍યો. થયું, લે ને ઉપાડી લઉં. આપણે કયાં એની ચુંગાલમાં ફસાઈએ એમ છીએ!
                ફોન ઉપાડયો. સામેથી અવાજ આવ્‍યો, ‘‘આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા.''
                મેં તેને એટલેથી જ રોકીને કહ્યું, ‘‘એ ભાઈ! બકવું હોય તો ગુજરાતીમાં બક!''
                હવે તે ગુજરાતીમાં બોલે છે, ‘‘હલ્‍લો રામોલિયાસર! હું ધીરેન બોલું છું.''
                હું બોલ્‍યો, ‘‘હવે આવ્‍યો સીધી લાઈનમાં! પણ ધીરેન એટલે કયો ધીરેન?''
                તેણે જવાબ આપ્‍યો, ‘‘ધીરેન હિંમતલાલ શાહ.''
                મને યાદ આવી ગયું. તે મારી પાસે ભણતો. બાકી બધા વિષય તેને ફાવે, પણ ગણિત સાથે દુશ્‍મનાવટ. ગમે તેટલું સમજાવું તોયે ગણિત તેના મગજમાં ન ઊતરે. ગણિતના લીધે બે વખત નાપાસ પણ થયેલ. છતાં તે નિરાશ નહોતો થયો. ત્રીજા વર્ષે ગમેતેમ કરીને પાસ થવા જેટલું તો શીખી લીધું.
                મેં પૂછયું, ‘‘પણ તું અમેરિકામાં?''
                તે કહે, ‘‘હા, હું અમેરિકામાં છું.''
                ફરી પૂછયું, ‘‘ત્‍યાં શું કરશ?''
                તે બોલ્‍યો, ‘‘ઘણી પેઢીઓનું નામું લખું છું.''
                તે નામું બોલ્‍યો ને મારાથી ઊંચા અવાજે પૂછાય ગયું, ‘‘તું, અને નામું?''
                અને પછી અમારા વચ્‍ચે આવો સંવાદ થયો :
                ‘‘હા, હું અહીં નામું જ લખવાનું કામ કરું છું.''
                ‘‘પણ તું તો ગણિતનો દુશ્‍મન હતો ને?''
                ‘‘તમારી કૃપાથી મિત્ર બની ગયો.''
                ‘‘કઈ રીતે?''
                ‘‘તમે જ એક વખત વર્ગમાં કહ્યું હતું કે, અઘરો વિષય કહો તો પણ ગણિત, અને સહેલો વિષય કહો તો પણ ગણિત. ગણિતમાં કંઈ ગોખવાનું હોય જ નહિ. ગણિતને તમે સમજવા લાગો, એટલે ગણિત સહેલું લાગશે. ન સમજે તેને અઘરું લાગે. ગણિતને સમજશો એટલે આપમેળે આવડવા લાગશે. જરૂર છે ગણિત પ્રત્‍યે દૃષ્‍ટિ બદલવાની.''
                ‘‘તો શું તેં તેને સમજવાની રીત અજમાવી હતી?''
                ‘‘હા. હું હાઈસ્‍કૂલમાં ગયો ત્‍યારે મનમાં થયું કે સાહેબ કહેતા હતા તે સાચું હશે? પછી હું દાખલાની રકમ જોઈને તેના વિશે ખૂબ વિચારવા લાગતો. તે રકમ સમજતો થયો અને પછી ગણિત મારા માટે સરળ બની ગયું. પછી તો આગળ ભણ્‍યો અને ગણિત સાથે મિત્રતા કરવાનું મન થયું. વચ્‍ચે કોમ્‍પ્‍યૂટર વગેરેનો કોર્ષ કર્યો, પણ ગણિતની મિત્રતા છોડવાનું મન ન થયું. એટલે સી.એ. કરવાનું નક્કી કર્યું અને ગણિત સાથેની મિત્રતાએ મને સી.એ. બનાવી પણ દીધો. મારા કામને લીધે અમેરિકાની એક પેઢીમાં નોકરી મળી ગઈ અને અહીં આવી બીજી પેઢીઓનું કામ પણ મળી ગયું. આ રીતે ગણિતની મિત્રતાથી ખૂબ લાભ થયો અને ખૂબ આનંદ છે.''
                ‘‘વાહ, ધીરેન વાહ! તેં તો મારી વાતને ચાર ચાંદ લગાવી દીધા! દરેક વિદ્યાર્થીએ આ વાત સમજવાની જરૂર છે. જે સમજે છે તેને ફાયદો થાય જ છે.''
                અને પછી ફોન પરની વાત પૂરી કરીને હરખાતાં હૈયે હું કાર્યક્રમમાં ગયો. મનમાં અનેરો આનંદ હતો.
                - ‘સાગર' રામોલિયા